Ladwada, Mandvi, Vadodara, Gujarat.
rajeshmpatel79@gmail.com
+91 942 844 2791
શહેરના પ્રખર કેળવણીકારો સ્વ. શ્રી નાના લાલશાહ, સ્વ. શ્રી છોટુભાઈ ભટ્ટ અને સ્વ. શ્રી મૂળશંકરભાઈ જોશીએ તેઓના ગુરુ વિદ્યાભૂષણ શ્રી હીરાલાલ વ્રજભૂષણદાસ શ્રોફ સાહેબશ્રી ની સ્મૃતિરૂપે એચ. વી. શ્રોફ મેમોરિયલ હાઇસ્કૂલની સ્થાપના તારીખ 1 એપ્રિલ 1935 ના દિને કરી, તારીખ 23 માર્ચ 1947ના રોજ ધ મેમોરિયલ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. શ્રી નારાયણ હાઇસ્કુલ ની સ્થાપના 1945 માં થઈ. તારીખ 15 જૂન 1965 ના રોજ કન્યા શિક્ષણ માટે આર. એન્ડ કે. પંડ્યા હાઈસ્કૂલની સ્થાપના થઈ. આ ટ્રસ્ટ શ્રી ઓ.લ પંડ્યા પ્રાથમિક વિદ્યાલય માટે કાર્યરત છે. આમ ટ્રસ્ટની શાળાઓમાં બાલવાડીથી ધોરણ 12 સુધી વિદ્યાર્થીઓ માટે શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે.
સામાજિક,આર્થિક અને શૈક્ષણિક નીતિઓના પરિવર્તનને કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વર્ષોવર્ષ ઘટાડો થયો છે. આ પરિસ્થિતિમાં શાળાઓનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે. શાળાઓનું અસ્તિત્વ અને નામ જીવંત રહે તે માટે સ્થળફેર કરવો અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે. એચ.વી શ્રોફ મેમોરિયલ હાઇસ્કૂલ તારીખ 1-4-2025 ના રોજ 90 વર્ષ પૂર્ણ કરે છે. હાલના તેમજ પૂર્વ ટ્રસ્ટીઓ, શિક્ષકો તેમજ પૂર્વ વિદ્યાર્થીઓ અને સમાજ,આ સંસ્થા 100 વર્ષ પૂરા કરે તેવી લાગણી અને પ્રબળ ઈચ્છા ધરાવે છે.
શાળાના અસ્તિત્વ માટે સ્થળફેર અંગેના શુભ શ્રમયજ્ઞમાં કાર્યરત થવા અને આ ભગીરથ કાર્યમાં સહકાર આપવા,પ્રમુખ તરીકે પરિવારના વિદ્યાર્થીઓને મારી નમ્ર અપીલ છે.
ભૂતકાળમાં આપણી શાળાએ સમાજની તેમજ રાષ્ટ્રની સેવા કરી શકે તેવા પ્રતિષ્ઠ નાગરિકો, વિવિધ ક્ષેત્રે પ્રદાન કરેલ છે. ભવિષ્યના વર્ષોમાં આ આશા જીવંત બની રહે તેવી અપેક્ષા સહ.
એચ.વી.શ્રોફ મેમોરિયલ હાઇસ્કૂલ અને ધ મેમોરિયલ એજ્યુકેશન ટ્રસ્ટ અંગે આપ સર્વને માહિતગાર કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. ધ મેમોરિયલ એજ્યુકેશન ટ્રસ્ટ ના આદ્યસ્થાપક અને ટ્રસ્ટીઓ શ્રી નાનાલાલ નાથાલાલ શાહ, શ્રી મૂળશંકર સોમેશ્વર જોશી અને શ્રી છોટુભાઈ ગીરજાશંકર ભટ્ટ ન્યુ ઈરા એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત હતા. ત્યાંથી છૂટા થયા અને 01/04/1935 ના રોજ નવી શાળા શરુ કરી,જેનું નામાંકન પોતાના વિદ્વાન ગુરુ અને સંનિષ્ઠ શિક્ષક શ્રી હીરાલાલ વ્રજભૂખણ શ્રોફસાહેબના નામથી એચ. વી. શ્રોફ હાઈસ્કૂલ કરવામાં આવ્યું.જેમાં સયાજી હાઈસ્કૂલના 167 વિદ્યાર્થીઓએ પહેલી એપ્રિલે પ્રવેશ લીધો.
આદ્યસ્થાપકોના સ્વભંડોળ થી સ્થપાયેલ આ શાળાની સ્થાપના બાદ ધ મેમોરિયલ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના 1947માં કરવામાં આવી. શૈક્ષણિક સંસ્થાઓ કમાણી નું સાધન ન બને તેવા આદર્શ અને ઉદ્દેશ જળવાઈ એ અંગેની કેટલીક વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી જેમ કે ટ્રસ્ટમાં લઘુત્તમ પાંચ અને મહત્તમ સાત સભ્યો રહેશે,જે પૈકી ત્રણ ટ્રસ્ટીઓ શાળાઓના શિક્ષકો રહેશે અને બાકીના ટ્રસ્ટીઓ સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી પસંદ કરી શકાશે જેનો આશય, શિક્ષણ સાથે સંકળાયેલાઓની બહુમતી રહે તેવો છે. આ પ્રથા આજ દિન સુધી જળવાઈ રહી છે એ અમારી વિશિષ્ટતા છે.
ધ મેમોરિયલ એજ્યુકેશન ટ્રસ્ટના હાલના ટ્રસ્ટીશ્રીઓ શ્રી નરહરીભાઈ આઈ. પટેલ-પ્રમુખશ્રી , શ્રી મુકુન્દરાય કે ઉપાધ્યાય- મંત્રીશ્રી, શ્રી વિજયકુમાર એસ. જોષી અને શ્રી શૈલેષભાઇ કે. પટેલ પૂર્વ આચાર્યો જ છે. શાળાના સ્થાપકોના પરિશ્રમ અને માવજતને કારણે શાળાનો ઉત્તરોત્તર વિકાસ થયો. શાળાના સુવર્ણ કાળમાં ધોરણ 8 થી 11 ના કુલ 26 વર્ગો હતા. શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આર્ટસ,કોમર્સ અને સાયન્સ ત્રણેય પ્રવાહની શરૂઆત કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓ સમાજમાં વિવિધક્ષેત્રે પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે.
સામાજિક પરિવર્તન સાથે થયેલ શૈક્ષણિક પરિવર્તનની અસરોને કારણે ટ્રસ્ટની નામાંકિત શાળાઓનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બન્યું છે જેનું કારણ છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા, શૈક્ષણિક નીતિઓમાં થતું પરિવર્તન તેમજ સામાજિક અને આર્થિક પરિવર્તનો છે. આ પરિસ્થિતિમાં ટ્રસ્ટની બધી જ શાળાઓ એક નવા સંકુલમાં સ્થળ ફેર કરી લઈ જવી એ અનિવાર્ય અને હિતાવહ છે આ બાબત માટે આપ સર્વેના માર્ગદર્શન તેમજ સહકારની અપેક્ષાસહ…
© The Memorial Educational Trust, Vadodara. All Rights Reserved. Powered by Param Infocom